કંથારપુર વડની પૂજા સાથે અતુલ્ય વારસો ટી પાર્ટીનો પુનઃ આરંભ કોરોના મહામારી વચ્ચે ઘણાં સમયથી અતુલ્ય વારસો દ્વારા સમયાંતરે થતી વિવિધ પ્રવૃતિઓ બંધ હતી અને થોડા સમય અગાઉથી પ્રકાશન કાર્યનો પુનઃ શુભારંભ કરવામાં આવ્યો અને આખજ ખાતે એક નાનકડી પ્રવૃતિ પણ કરવામાં આવી પણ અમારો લોકસંપર્કનો સૌથી મોટો આધાર એવી અતુલ્ય વારસો ટી પાર્ટીનો વિધિવત્ત પુનઃશુભારંભ કંથારપુર વડથી પુનઃ કરવામાં આવ્યો. જે પાછળ અમારા બે મુખ્ય હેતું હતા કે માત્ર ને માત્ર શિલ્પ સ્થાપત્યોને જ અનુલક્ષીને કરવામાં આવતી બેઠકોને આવી નેચરલ સાઈટ પર પણ આયોજીત કરવી અને બીજો કે આ વડની વિશાળતામાં અને શહેરથી દુર શાંત જગ્યાએ હોવાથી સોશિયલ ડીસ્ટન્સીંગ પણ જળવાય. ટી પાર્ટીનાં પ્રારંભમાં વડ વિશે સૌના પ્રાથમિક જ્ઞાનની ચકાસણી કરવામાં આવી અને આ વડને સૌપ્રથમ વાર જોતા જ કેવી લાગણી મનમાં જન્મે છે તે વિચારોની આપ-લે કરવામાં આવી. ત્યારબાદ ગુજરાતમાં વર્ષ 2020 થી 2025 દરમ્યાનની નવી જાહેર થયેલી હેરીટેજ ટુરીઝમ પોલીસી વિશે ચર્ચા કરવામાં આવી અને આશા વ્યક્ત કરવામાં આવી કે સરકારનાં આ પગલાથી હેરીટેજની જાળવણી અને તેના વિકાસમાં વેગ મળશે. ત્યારબાદ ગુજરાતમાં આવેલા અન્ય વૃક્ષ હેરીટેજ, જળ સ્થાપત્યો વિશે મનોમંથન કરવામાં આવ્યું અને આવા નૈસર્ગિક સ્થળોની પણ જાળવણી થાય તે માટે કેવા પગલાઓ ભરવા તેને અનુલક્ષીને સૌ તરફથી પોતાના વિચારો રજુ કરી જન સામાન્યમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતોની જાહેર અપિલ કરવામાં આવી. અંતે મહાકાળી માતાજીનાં મંદિરનાં પુજારીની મદદથી વડની પૂજા અને આરતી કરવામાં આવ્યું. કંથારપુર મહાકાળી મંદિરનાં પૂજારીના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં વડની આરતી કરવામાં આવી હોય તો તેમાં ટીમ અતુલ્ય વારસો પ્રથમ છે જે અમારા સૌના માટે ગૌરવપુર્ણ વાત બની રહી. આગામી સમયમાં અહીં સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનો અમારો પ્રયાસ છે જેને ટૂંક સમયમાં અમલમાં મુકીશું. એ દરમ્યાન અન્ય સ્થળોએ ટી પાર્ટી સતત ચાલતી રહેશે અને રાજ્યનાં તમામ નાના/મોટા શહેરનાં હેરીટેજ પ્રેમીઓને સાંકળતા રહીશું તેવી આશા સહ... - કપિલ ઠાકર, અતુલ્ય વારસો