Рет қаралды 173
મારો નવતર પ્રયોગ...
વર્ષ 2020-21 ના સમયગાળા દરમિયાન ધોરણ એકના બાળકો કોરોનાના કારણે ઓફલાઈન અને ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી ગયા હતા તેમજ વર્ષ 2021- 22 માં પણ શિક્ષણથી વંચિત રહી ગયેલ બાળકો વર્ષ 2022- 23 માં સીધા ધોરણ ત્રણ માં પ્રવેશ પામ્યા.જેમાં કુલ સંખ્યા 30 માંથી માત્ર 10 બાળકો વાંચન ક્ષમતા ધરાવતા હતા ,જે એક શિક્ષક માટે ખૂબ મોટી સમસ્યા હતી તેથી સૌપ્રથમ તો આ બાળકોને શાળાએ આવતા કરવા માટે અવનવી પ્રવૃત્તિઓ હાથ ધરી, જેમાંની એક આ પ્રવૃત્તિ છે. જેમાં બાળકો શિક્ષકની નજીક આવશે તો જ બાળકોને શાળાએ આવવું ગમશે અને અભ્યાસમાં ધ્યાન આપી શકશે. પ્રવૃત્તિની એવી તો શરૂઆત થઈ કે વર્ષના અંતે મને ખૂબ સારું રિઝલ્ટ જોવા મળ્યું જેની મેં કલ્પના પણ કરી ન હતી .જ્યાં માત્ર 10 બાળકો વાંચન કરી શકતા હતા ત્યાં આજે વર્ષ પૂર્ણ થતાં બાળકોની હાજરી પણ પૂરેપૂરી જોવા મળે છે અને વર્ગના 25 બાળકો ખૂબ સારું વાંચન કરી શકે છે.
શિક્ષક તરીકેની સફરનો મારો આ ખૂબ જ હકારાત્મક પ્રયોગ સાબિત થયો છે .એક શિક્ષક ધારે તો શું ન કરી શકે તે અહીં ફલિતાર્થ થાય છે. માતા પિતા પોતાના બાળકોને પૂર્ણ ભરોસા સાથે શિક્ષકને સોંપે છે. એ ભરોસા પર ખરું ઉતરવું એ એક શિક્ષકની જવાબદારી છે..