Рет қаралды 52,394
આપણા દેશમાં પત્ની પીડિત પુરુષોની સંખ્યા જરાય ઓછી નથી, હજુ થોડા દિવસો પહેલા જ બેંગલોરના એક આઈટી એન્જિનિયરે પત્ની અને સાસરિયાના ત્રાસથી પોતાની જીવનલીલા જ સંકેલી દીધી હોવાની ઘટના સામે આવતા લોકો તેનાથી હતપ્રત થઈ ગયા હતા. ઘરમાં જો માથાભારે વહુ આવી જાય તો માત્ર તેના પતિનું નહીં પરંતુ પતિના આખાય પરિવારનું જીવન નર્ક સમાન બની જતું હોય છે અને અમેરિકામાં રહેતાં ઘણા ગુજરાતીઓ પણ તેમાંથી બાકાત નથી. ઘરમાં ગુજરાતી વહુ જ આવવી જોઈએ તેવો આગ્રહ રાખતા NRI પરિવારોની સંખ્યા આજની તારીખે પણ જરાય નાની નથી, પરંતુ તેમનો આ નિર્ણય ક્યારેક એટલો ભયાનક રીતે ખોટો સાબિત થતો હોય છે કે તેનાથી આખી ફેમિલીને પૈસે-ટકે ખુંવાર થઈ જવાની સાથે વર્ષો સુધી પારાવાર માનસિક યાતના પણ ભોગવવી પડે છે. પતિને કોર્ટ-કચેરીના ધક્કા ખવડાવીને તેને અડધો કરી નાખતી અને ભરણપોષણના નામે તેને આર્થિક રીતે પતાવી દેતી પત્નીથી અમેરિકામાં ઘણા ગુજરાતીઓ પણ ત્રસ્ત છે અને આવી જ એક સત્ય ઘટના શિકાગોમાં રહેતાં એક ગુજરાતી મહિલાએ IamGujarat સાથે શેર કરી છે, જેમણે પોતાના એકના એક દીકરાના સમાજની જ એક ગરીબ ઘરની છોકરી સાથે ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા, પરંતુ સાત-આઠ વર્ષ સુધી શાંતિથી ઘરમાં રહેલી વહુએ પોતાનું કામ પૂરું થતાં જ એવું પોત પ્રકાશ્યું હતું કે તેના આઘાતમાંથી આ મહિલાનો પરિવાર આજેય બહાર નથી આવી શક્યો. વહુને દીકરીની જેમ રાખતા અને તેને અમેરિકા લાવીને ભણાવનારા તેના સાસુને આજે પણ નથી સમજાઈ રહ્યું કે માત્ર અમેરિકાની સિટીઝનશિપ લેવા અને પોતાની ફેમિલીને પણ યુએસમાં સેટ કરવા માટે શું કોઈ છોકરી આ હદે પણ જઈ શકે?