Рет қаралды 147
મહેસાણા નગરમાં "હિન્દુ સમાજ સમૂહ લગ્નોત્સવ" નું ભવ્ય આયોજન
--------------------------------------
મહેસાણાના આંગણે પૂજ્ય સંતો તેમજ આમંત્રિત મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે 39 વર-વધુએ પ્રભુતામાં પગલાં માંડ્યા.
ગુજરાતના 12 જિલ્લાના 59 ગામના 78 પરિવારો આમાં જોડાયા.
આ સમુહલગ્નમાં 5 કાર્ય વિભાગ અંતર્ગત 45 કાર્ય ટોળીના 900 કાર્યકરો દ્વારા સમૂહકાર્ય - યજ્ઞ થકી લગ્નોત્સવ સફળ થયો
-------------------------------------
"સામાજિક સમરસતા મંચ - ગુજરાત" તથા "શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ" મહેસાણા દ્વારા આયોજિત લગ્નોત્સવમાં 39 યુગલોએ સપ્તપદીમાં પગરણ માંડયા. આજ 14,ડિસેમ્બર 2024ના દિવસે "હિન્દુ સમાજ સમૂહ લગ્નોત્સવ"નું આયોજન કરવામાં આવ્યું. આ લગ્નોત્સવ શ્રીચોર્યાશી સમાજ સંકુલ, મહેસાણા ખાતે યોજાયો.આ શુભ પ્રસંગે પૂજ્ય સંતગણ તેમજ સામાજિક આગેવાનો તેમજ સજ્જન શક્તિના આર્શીવચન પ્રાપ્ત થયા.સંતોએ પુષ્પવર્ષા દ્વારા 39 નવદંપતિઓને આર્શીવચન આપ્યા.
સામાજિક સમરસતા મંચ દ્વારા હંમેશા સામાજિક એકતા, સમરસતા,સમાજ સુધારણા તેમજ ઉત્કર્ષના ભાગરૂપે પવિત્ર અને ભગીરથ કાર્ય થઇ રહ્યું છે. જેના ઉપક્રમે સામાજિક સમરસતાના પવિત્ર સંકલ્પ સાથે,સર્વે હિંદુ સમાજના,સજ્જન શક્તિના અનેરા સહયોગથી આ “હિંદુ સમાજ સમૂહ લગ્નોત્સવ”નું સુંદર આયોજન મહેસાણાના આંગણે થઈ રહ્યું છે.
સામાજિક ઉત્કર્ષના ભાગરૂપે અને સમાજમાં નવા ઉજાસની દિશા ભરીને એક ક્રાંતિકારી કદમરૂપી આ પવિત્ર અને ભગીરથ ઉત્સવમાં સૌ હિંદુ સમાજ જોડાયો.
સામાજિક સમરસતા મંચ - ગુજરાત સમાજના વિવિધ વર્ગો વચ્ચે બંધુત્વભાવનું નિર્માણ કરી સામાજિક સમરસતાના નિર્માણ માટે સને ૧૯૮૩ થી દેશભરમાં કાર્યરત સામાજિક મંચ છે. સમરસતા મંચની સ્થાપના ગુજરાતમાં ૧૦ જાન્યુઆરી ,૧૯૯૧ના દિવસે થઇ હતી.
આપણા સમાજની હજારો વર્ષ જૂની જીવન પદ્ધતિઓમાં સદીઓથી ઘુસી ગયેલા કેટલાક સામાજિક દુષણોને કારણે અનેક પ્રકારની સામાજિક વિષમતાઓ નિર્માણ થઇ છે. સમાજ અસ્પૃશ્યતા જેવા કલંકનો ભોગ બન્યું અને જ્ઞાતિ-જાતિના સંકુચિત વાડાઓમાં વહેંચાઈ ગયો. સમાજના એક અંગ સાથે અસ્પૃશ્યતા જેવો અમાનવીય વ્યવહાર ઉતપન્ન થયા ત્યારે સમરસતા મંચ લગ્નોત્સવ, ધાર્મિક અનુષ્ઠાન, વિવિધ ઉત્સવોના આયોજનો કરી હિંદુ સમાજને એક છત્ર નીચે લાવવાના ભગીરથ પ્રયત્નો કરી રહ્યું છે,ત્યારે મહેસાણા નગર ખાતે પણ આ લગ્નોત્સવમાં પૂજ્ય સંતગણ અને સજ્જન શક્તિના આશીર્વાદ સાથે આ આયોજન સફળ બન્યું.
સમાજનું અસ્પૃશ્યતાનું કલંક દૂર કરી સમરસ અને સમતાયુકત સમાજનું નિર્માણ કરવા માટે મહાત્મા ફૂલે, સંત રોહીદાસ, ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. હેડગેવાર અને મહાત્મા ગાંધી જેવા અનેક સંત-મહાપુરુષો એ અથાગ પ્રયત્નો કર્યા છે.
ત્યારે આ શુભ પ્રસંગે પ.પૂ.મહંતશ્રી ૧૦૦૮ જયરામગીરી મહારાજ (વાળીનાથ અખાડા, તરભ) પ.પૂ. મહંતશ્રી ૧૦૦૮ રામગીરી બાપુ (અવધેશ આશ્રમ, ખોરસમ) પ.પૂ. મહંતશ્રી મહામંડલેશ્વરશ્રી અવધ કિશોર દાસજી રામાયણી(તપોવન આશ્રમ, મોઢેરા) પ.પૂ. મહંત શ્રી રાજ રાજેશ્વરી યોગીરાજ રુખડનાથજી બાપુ(ધીણોજ) પ.પુ. મહંતશ્રી નાનક્દાસ બાપુ(મુજપુર) પ.પૂ.મહંતાશ્રી હેમાંપુરી માતાજી ( મહેસાણા) પ.પુ. મહંતશ્રી ભગવાનદાસજી બાપુ, પ.પુ. મહંતશ્રી નારાયણદાસજી મહારાજ(નારાયણ આશ્રમ, મહેસાણા) પ.પુ. મહંતશ્રી દોલતરામજી મહારાજ(નોરતાધામ), પ.પુ. મહંતશ્રી મહેન્દ્રરામ મહારાજ (નિરાંત ધામ આશ્રમ,મહેસાણા) પ.પુ. મહંતશ્રી ગોપાલદાસજી મહારાજ(બલોલ ગૌશાળા આશ્રમ) પ.પુ. મહંતશ્રી મનીષબાપુ મહારાજ ,સંતશ્રી બાલક સાહેબ ધામ(છઠિયારડા)સહીત સંતોના આશીર્વાદ અને માર્ગદર્શન મળ્યું.
ત્યારે આ શુભ પ્રસંગે દેશ-વિદેશના હિંદુ ભાઈઓનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો આ પ્રસંગે રા. સ્વ. સંઘ ના પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેષભાઇ પટેલે જણાવ્યું હતું કે સામાજિક સમરસતા મંચ અને શ્રી કાશી વિશ્વનાથ મંદિર, મહેસાણા આયોજીત આ હિન્દુ સમાજ સમૂહ લગ્નોત્સવ માં ગુજરાતભરના 12 જિલ્લામાંથી 59 ગામોના 78 પરિવારોના 39 વર વધુએ આજે સપ્તપદીના પગરણ કર્યા હતા.
જેના આયોજનમાં 5 કાર્ય વિભાગ અંતર્ગત 45 કાર્ય ટોળીમાં 900 કાર્યકરો દ્વારા સમૂહ કાર્યમાં યજ્ઞ રૂપી સંહિતામાં જોડાઈ પરસેવા રૂપી આહુતિ આપી આ સમૂહ લગ્નોત્સવ જ નહિ પરંતુ સમગ્ર હિન્દુ સમાજમાં સામાજિક સમરસતાનો ભાવ પૂરો પાડવાના ભગીરથ કામમાં જોડાયા.
આજે આ સમૂહ લગ્નોત્સવમાં હિન્દુ સમાજની વિભાવના સિદ્ધ કરતી પ્રદર્શનીમા ગાયનું મહત્વ, વૃક્ષારોપણ, એક ગામ, એક કૂવો, એક મંદિર, અને એક સ્મશાનનો સંદેશ સાથે પ્રભુ રામ, કૃષ્ણ અને ભગવાન શિવ પરિવારની છબીઓ મુકવામાં આવી હતી. અને આદર્શ પરિવારની સાથે સાથે હિન્દુ સમાજ પ્રકૃતિ, પર્યાવરણ અને વસુધૈવ કુટુંબકમ ની ભાવના પ્રસ્થાપિત કરાઈ હતી.